Wednesday, June 10, 2020

સાંધાનો દુખાવો, સોજો, સાયેટિકા (રાંઝણ)


સાંધાનો દુખાવો, સોજો, સાયેટિકા (રાંઝણ) :

એક સાદો પણ અઘરો ઉપાય:

 
સાદો એટલા માટે કે સરળતાથી જાતે અજમાવી શકાય છે પરંતુ અઘરો એટલા માટે કે આ ઉપાય અજમાવો ત્યારે ચુસ્ત પરહેજી પાળવી પડે, અન્યથા વૈદ્યને તો અપયશ મળે જ મળે, દર્દી પણ હેરાન જ થાય.

ખાસ નોંધ: [આ તો એક અંગત મિત્રને માટે, તેમની સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરીને, એમની તાસીર, એમની આહાર-વિહાર-નિદ્રાની ટેવ વિગેરે તપાસીને વિશેષ રૂપે સૂચવેલો કાર્યક્રમ છે, અને રોગમુક્તિ માટે રોજિંદા આહાર-વિહાર કેટલો અગત્યનો ભાગ ભજવે છે એ જણાવવા માટે જ આ લખવામાં આવ્યું છે. આયુર્વેદના પણ, કોઈ જ ઉપચાર કરતાં પહેલાં પોતાના નજીકના વૈદરાજ પાસે પોતાની પ્રકૃતિને અનુરૂપ શું માફક આવે તે ચર્ચા કરીને જ ઔષધ પ્રયોગ પોતાની જવાબદારીથી કરવા, અન્યથા આવતા પરિણામ માટે આ લેખક કોઈ જવાબદારી સ્વીકારી શકતા નથી, તે જાણ માટે.]


આયુર્વેદના ગ્રંથોમાં એક સરસ ઉક્તિ વાંચવામાં આવે છે: “જો કોઈ વ્યક્તિ પથ્યાપથ્ય (પરહેજી) બરાબર પાળે તો પછી એને દવાનું શું કામ છે? અને જો કોઈ દર્દી પથ્યાપથ્ય પાળે નહીં તો પછી એને માટે દવા ય શું કામ કરશે?” 

એક તો બેઠાડું જીવનશૈલી અને બીજી, જીભના સ્વાદને સંતોષતા ચટાકેદાર, મસાલેદાર બજારુ ખોરાક - આ બે બાબતોએ બુદ્ધિશાળી ગણાતા સામાજિક પ્રાણીના સ્વાસ્થ્યની ઘોર ખોદી નાખી છે. ૪૫-૫૦ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી તો આ અનિયમિતતાઓની અસર શરીર પર ખાસ જણાતી નથી પણ વનમાં પ્રવેશતાની સાથે જ વાયુરોગોના વાઘદીપડા નબળા પડેલા શરીર પર હુમલા કરવા લાગે છે. યુવાનીમાં સ્વાભાવિક રીતે વધારે રહેલું ખોરાકનું પ્રમાણ ટેવ મુજબ ચાલુ જ રહે છે, અને પેલી ઉક્તિને સાચી ઠેરવે છે: “આપણે જે ખોરાક ખાઈએ છીએ એનો માત્ર એક તૃતિયાંશ ભાગ જ આપણને જીવાડે છે, બાકીનો બે તૃતિયાંશ ભાગ ડોકટરોને જીવાડે છે”.

અધુરામાં પૂરું આપણે જમીન પર પલાંઠી વાળીને બેસવાનું બંધ કરીને કેટલીક પેઢીઓથી ડાઈનિંગ ટેબલ-ખુરશી અને સોફા અપનાવી લીધા છે. એમાં ય ખુરશી તો નરમ ગાદીવાળી જ હોવી જોઈએ અને સોફા તો એમાં અર્ધા ખૂંચી જઈએ તો જ મોંઘા, વૈભવશાળી અને મોભાદાર ગણાય ! અરે ભલા માણસ ! આ બેસવાના બધા પોચા પોચા સાધનો સમગ્ર રુધિરાભિસરણ તંત્રને અવરોધે છે તે તો ધ્યાનમાં જ નથી આવતું? શરીરની રચના એવી છે કે શુદ્ધ લોહીને બધા અવયવો સુધી પહોંચાડનારી ધમનીઓ અંદર ઊંડાણમાં હોય છે, જ્યારે અશુદ્ધ લોહીને અવયવોમાંથી હૃદય સુધી લઈ જતી શિરાઓ ત્વચાની તરત નીચે, પ્રમાણમાં ઉપરની સપાટી પર હોય છે, જે આસાનીથી જોઈ શકાય છે, અને દાક્તરો એમાં ઇન્જેકશન (Intravenous) આપવા માટે ઉપયોગ કરે છે. ધમનીઓમાં વાલ્વ હોતા નથી, પણ શિરાઓમાં એકમાર્ગી વાલ્વ (one-way non-return) હોય છે, જેથી કરીને અશુદ્ધ લોહી પાછું અવયવો તરફ ન જાય. આ કારણથી જ માલિશ કરતી વખતે દબાણ હંમેશા હાથ કે પગના છેડેથી શરૂ કરીને હૃદય તરફ લઈ જવામાં આવે છે, આ વાલ્વ હૃદય તરફની દિશામાં જ ખૂલતાં હોય છે. હવે નરમ ગાદીવાળી ખુરશીમાં લાંબો સમય બેસવાથી શું થાય? જે અશુદ્ધ લોહી ગોઠણ તરફથી આવતું હોય એને નિતંબ અને ગોઠણની વચ્ચેના ભાગે તથા લગભગ સાથળ પાસે દબાણ નડે અને અશુદ્ધ લોહી મુક્ત રીતે હૃદય સુધી જઈ શકે નહીં એટલે કે ત્યાંથી ફેફસામાં શુદ્ધ થવા પણ જઈ શકે નહીં. આ ભરાઈ પડેલા અશુદ્ધ લોહીમાં દ્રાવ્ય કાર્બોનિક એસિડ સ્વરૂપે રહેલો અંગારવાયુ (કાર્બન ડાયોક્સાઈડ) ગોઠણની ગાદી (કારટીલેજ) પર અને તેમાંનાં કેલ્શ્યમ પર હુમલો કરી શકે છે. આ ઘટના સમય જતાં સાંધાઓના સોજામાં અને ગાદીના ઘસારામાં પરિણમે છે. ઉપરાંતમાં “આમ” એટલે કે ખોરાકનો,  લોહીમાં રહેલો અપરિપક્વ હિસ્સો, ઓક્સિજનના અભાવે સડવા લાગે છે અને દૂષિત વાયુ ઉદભવે છે, જે સોજો લાવે છે,  સ્નાયુઓ અને જ્ઞાનતંતુ પર દબાણ લાવીને શૂળ જેવી પીડા કરે છે. હલન ચલન ને અવરોધે છે. આને આપણે એક સામાન્ય ભાષામાં વાયુના રોગો એવું સામૂહિક નામ આપ્યું છે.                  

સાયેટિકા અથવા રાંઝણ ઉપરાંત રૂમેટીક આર્થ્રાઇટિસ / સાંધાનો દુખાવો આ બધા એકબીજા સાથે સંકળાયેલા વાયુના રોગો છે. આમાંથી તાત્કાલિક અને કાયમી રાહત મેળવી શકાય છે. મક્કમ નિર્ધાર કરીને, ચુસ્ત પરેજી પાળીને, યોગ્ય આહારવિહાર દ્વારા આમાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે. માત્ર પંદર દિવસનો ત્રણ તબક્કાનો આ કાર્યક્રમ અમલમાં મૂકવો.
૧. દેહ શુદ્ધિકરણ  ૨. દિનચર્યા અને પરેજી  ૩. ઔષધ પ્રયોગ

 

૧. દેહ શુદ્ધિકરણ:  પહેલા  ત્રણ દિવસ:



રોજ સવારે ૧ ચમચી હરડે ચૂર્ણ નરણા કોઠે ગરમ પાણી સાથે લેવું. ચા પીવાની ટેવ હોય તો અર્ધા પોણા કલાક પછી પીવી. કોફી પીવી નહીં. બપોરે ભોજનમાં માત્ર મગ-ભાત જ ખાવા. મગમાં જીરું લસણનો વઘાર અને આદું હોવા જોઈએ. જમ્યા પછી મોળી છાશ જીરું-મીઠું નાખેલી પી શકાય પણ ખાટી છાશ જરાય ન ચાલે. દહી બિલકુલ ન ખાઈ શકાય, તદ્દન બંધ.
બપોરના ભોજન બાદ ૭ કલાક સુધી કશું જ ખાવું નહીં, માત્ર હુંફાળું પાણી પીવું. ફ્રિજનું ઠંડુ પાણી કદી ન પીવું કે ફ્રીજમાં રાખેલી ઠંડી ચીજ વસ્તુ કે છાશ ઉપયોગમાં લેવી નહીં. બપોરે ચાની જો ટેવ હોય તો પી શકાય, શક્ય હોય તો આદુવાળી ચા પીવી. બપોરનું ભોજન બાર સાડાબારની આસપાસ કરી લેવું અને સાંજનું ભોજન સાત સાડાસાતની આસપાસ કરવું. સાદું રોટલી શાક / ભાખરી શાક / મગનીદાળ (ફોતરાં વાળી) ની ખિચડી એવું લઈ શકાય. (મગની છડી દાળ કબજિયાત કરશે, માટે ન વાપરવી).

રાત્રે સૂતા પહેલાં ૧ ચમચી દેશી દિવેલ ૧ ચમચી સૂંઠના ચૂર્ણ સાથે લેવું. ઉપર હુંફાળું પાણી પીવું. અથવા ૧ ચમચી સૂંઠનો ૧ કપ ઉકાળો કરી સહેજ સહેજ ગરમ હોય ત્યારે ૧ ચમચી દિવેલ નાખી પી લેવું જે રીતે ફાવે તે રીતે.
ત્રણ દિવસ આમ અચૂક કરવું. ચોથા દિવસથી સવારે હરડે લેવાનું બંધ કરવું, બપોરે મગભાતને બદલે રોટલી શાક જેવુ રોજિંદું ભોજન શરૂ કરી શકાય પણ જો ફાવે તો મગભાત નો પ્રોગ્રામ ચાલુ રાખવો. રાત્રે દિવેલનો પ્રોગ્રામ ચાલુ જ રાખવો.

૨. દિનચર્યા અને પરેજી


આટલી વસ્તુઓનો કડક નિષેધ છે: વાલ, વટાણા, ચણા, દહી, કોલ્હાપુરી સફેદ ગોળ, લીંબુના ફૂલ તથા કોઈ પણ જાતની ખટાશ, પેંડા,બરફી, શિખંડ, જલેબી  કે કોઈ પણ જાતની દૂધ, માવા કે મેંદાની કોઈ જ મીઠાઇ, ચેવડો, ફરસાણ, ઇડલી ઢોંસા, ઢોકળા  કે અન્ય બજારુ ખાદ્ય સામગ્રી, ઠંડા પીણાં, આઇસક્રીમ, અથાણાં વિગેરે. (કઠોળમાં માત્ર મગની છૂટ છે, અઠવાડિયે એકાદ વાર અડદની દાળ બપોરના ભોજનમાં લઈ શકાય, એમાં આદું, લસણ અને તલનું તેલ અચૂક નાખવું) 
ભોજન બાદ ૪૦ - ૪૫ મિનિટે હુંફાળું પાણી અર્ધી ચમચી સૂંઠ નાખીને પીવું. ભોજન બાદ ૬  કલાક સુધી કદી કોઈ જ વસ્તુ ખાવી નહીં . 

૩. ઔષધ પ્રયોગ:


૧ ચમચી ગોખરુ ચૂર્ણ + ૧ ચમચી સૂંઠ બે ગ્લાસ પાણીમાં બરાબર મિક્સ કરીને રાત્રે પલાળવા. સવારે ૧૦ - ૧૫ મિનિટ ઉકાળીને સહેજ પીવા લાયક હુંફાળું થાય એટલે ૧ ચમચી દિવેલ નાખીને પી લેવું. અથવા ૧ ચમચી દિવેલ પીને ઉપર આ ઉકાળો પી લેવો.

(સારી ફાર્મસીનું ગોક્ષુર ચૂર્ણ લેવું જેમાં ગોખરુના કાંટાદાર ફળોનો ઉપયોગ થયો હોય, ચૂર્ણમાં છોડ, ડાળી, પાંદડા વધુ વાપર્યા હોય તો ફાયદો ઓછો થાય છે. સૂંઠ સફેદ નહીં પણ દેશી સૂંઠ ઘેરા રંગની વાપરવી. સૂંઠને કેમિકલથી સફેદ કરે છે તે નુકશાનકારક છે).  

ઉપરની વિગતમાં શુદ્ધિકરણ પ્રયોગ માત્ર પહેલાં ત્રણ દિવસ માટે જ છે. નંબર ૩. માં બતાવેલો ઔષધ પ્રયોગ ચોથા થી પંદરમાં દિવસ સુધી છે, પરંતુ, નંબર ૨ માં બતાવેલી પરેજી આખા જીવન માટે છે. 

 ======================================================

No comments:

Post a Comment